ફિકસ પગારવાળાઓને દિવાળી ભેટઃ પગાર વધશે
રાજ્ય સરકાર દ્વારા હજારો કર્મચારીઓ માટે હકારાત્મક વિચારણા
રાજ્ય સરકાર દ્વારા સરકારના વિવિધ વિભાગોમાં નોકરીના પ્રારંભિક કાળમાં પુરા પગારના બદલે ફિકસ પગારથી ફરજ બજાવતા કર્મચારીઓ માટે પગાર વધારાની સરકારે વિચારણા કરી છે. ટૂંક સમયમાં દિવાળી ભેટ તરીકે ફિકસ પગારમાં વધારાની જાહેરાત થાય તેવા સંકેત છે.
રાજ્યમાં શિક્ષણ સહિત વિવિધ વિભાગોમાં ૭૦,૦૦૦ થી વધુ કર્મચારીઓ (વર્ગ-૩) ફિકસ પગારથી ફરજ બજાવી રહ્યા છે. નિયત પાંચ વર્ષનો સમય પુરો થયા પછી તેમને પુરો પગાર મળવાપાત્ર હોય છે. હાલ રાજ્યમાં ફિકસ પગારનું ધોરણ રૂ. ૭૧૦૦થી રૂ. ૧૩,૭૦૦ સુધીનુ છે. તાજેતરમાં પંચાયતમાં જે તલાટીઓની નિમણૂક થઈ તેના માટે પગાર ધોરણ માસિક રૂ. ૭૮૦૦ છે. સરકારે મોંઘવારીને ધ્યાને રાખી ફિકસ પગારના તમામ ધોરણ સુધારવાની દિશામાં હિલચાલ શરૂ કરી છે. ૧૦ થી ૩૦ ટકા સુધીનો પગાર વધારો આવે તેવી સંભાવના છે. પાલિકા પંચાયતોની ચૂંટણી નજીક આવી રહી છે તે પૂર્વે જ રાજ્ય સરકાર દિવાળી ભેટ તરીકે ફિકસ પગારમાં વધારો આપી દેવા માટે તત્પર જણાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ફિકસ પગારને બદલે પુરો પગાર મેળવવા કર્મચારી સંગઠને કાનૂની લડત માંડી છે. હાઈકોર્ટે પુરો પગાર ચૂકવવા હુકમ કરેલ તેની સામે સરકારે અપીલ કરતા હાલ મામલો સુપ્રીમ કોર્ટમાં પડતર છે. અત્યારે તો સરકાર પુરા પગારના બદલે ફિકસ પગારમાં વધારો કરવા તરફ આગળ વધી રહી છે.
સૌજન્ય: અકિલા ન્યુઝ
No comments:
Post a Comment